Wednesday, 12 September 2012

જિંદગી તમને પૂછશે ઃ તમારે બહાવરા બનીને ભાગવું છે કે યોગ્ય સ્થાને અટકવું છે?

એક પિતા પોતાના પુત્રને દોડનું શિક્ષણ આપી રહ્યા હતા. પિતા વાત પૂરી કરે એ પહેલાં પુત્રએ દોડવાનું શરૃ કરી દીધું. દોડતાં-દોડતાં એ સામી ભીંત સાથે અથડાયો અને તેના માથામાં ઘા પડયો. પુત્રએ પિતાને કહ્યું ઃ ''આપના શિક્ષણ મુજબ હું દોડવાની કળામાં તો સફળ થયો, તો પછી ભૂલ ક્યાં થઈ?''

પિતાએ કહ્યું ઃ ''દીકરા, માણસે પોતાના લક્ષ્ય તરફ પહોંચવા માટે માત્ર દોડવું જરૃરી નથી, ક્યાં અને ક્યારે અટકવું, એ શીખવું જરૃરી છે.''

સફળતાની શક્યતા માણસને બહેકાવે છે. માણસનો તીવ્ર આત્મવિશ્વાસ એને દોડતા રાખે છે અને માણસ ભ્રમનો શિકાર બનીને એ વિચારવાનું ભૂલી જાય છે. પોતે જેદ શિામાં દોડી રહ્યો છે, તે દિશામાં ભય સ્થાનો કયાં અને કેટલાં છે. પરિસ્થિતિઓ મુજબ પોતાની જાત નિયંત્રિત કરવી, દોડનું મૂલ્યાંકન કરવું અને ખતરાની શક્યતા ધ્યાનમાં લઈ દિશા બદલતા રહેવું એ લક્ષ્યસિદ્ધિ માટે આવશ્યક છે. માણસે માત્ર ખુશકિસ્મતીનો નહીં, બદકિસ્મતીનો પણ સ્વાદ ચાખવો જોઈએ. ખુશકિસ્મતી માણસના પડકારો ઝિલવાની શક્તિનાં દ્વાર બંધ કરી દે છે, જ્યારે બદકિસ્મતી પડકારોને પહોંચી વળવા આત્મવિશ્વાસ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

દરેક મા-બાપ પોતાના સંતાન સમક્ષ 'આગળ વધો'નો સંદેશ વહેતો મૂકતાં હોય છે, હકીકતમાં આગળ વધવાની ઉતાવળ પહેલાં બે કદમ પણ હટવાની ધીરજ પણ માણસે કેળવવી પડે છે. કોર્ટ-કચેરીના કિસ્સામાં શાણો વકીલ વધુ પડતી દલીલો કરવાને બદલે દલીલો કરતાં કરતાં ક્યાં અટકવું એ સારી રીતે જાણતો હોય છે.

'શક્તિના ૪૮ નિયમ'માં રોબર્ટ ગ્રીને એક મરઘાનું દ્રષ્ટાંત પ્રેરક રીતે રજૂ કર્યું છે. બે મરઘાઓ ઉકરડા ઉપર ચઢીને ઝઘડી રહ્યા હતા. બન્ને પૈકી એક મરઘો વધુ શક્તિશાળી હતો. એણે બીજાને હરાવીને ઉકરડાથી દૂર હડસેલી મૂક્યો. એની બહાદુરી જોઈ મરઘીઓ એકઠી થઈ તેની પ્રશંસા કરવા લાગી. વિજેતા બનેલો મરઘો ઈચ્છતો હતો કે આગામી લડાઈમાં તેની પ્રતિષ્ઠાનો ડંકો વાગે. એટલે તે બીજા વાડામાં ચાલ્યો ગયો. ત્યાંથી તે એક ખેતરના ખળામાં અનાજના ઢગલા પર બેઠો. પોતાની પાંખો ફફડાવીને જોર-શોરથી કહેવા લાગ્યો કે તમે સહુ મારી તરફ જુઓ. હું વિજેતા મરઘો છું. દુનિયાના બીજા કોઈ પણ મરઘામાં મારા જેટલી તાકાત નથી.

એ મરઘાની વાત પૂરી પણ થઈ એવામાં એક બાજે તેની પર આક્રમણ કર્યું. અને પોતાના પંજામાં દબાવીને તે મરઘાને પોતાના માળામાં લઈ ગયો. મરઘાની શેખીનો આ કરુણ અંત હતો.

જિંદગીમાં પણ આવું જ બનતું હોય છે 'જેમ ઊંદરડે દારૃ પીધો, મસ્તાનો થઈ ડોલે જી.' વિજયનો નશો એ શરાબના શા કરતાં પણ ભયાનક છે. વિજયને નહીં પચાવી શકનાર પર્વતના ઉત્તુંગ શિખર પરથી એવી રીતે પટકાય છે, પડયા પછી ઊભા થવાનું તેને માટે મુશ્કેલ બની જાય છે. વિજેતાએ આગળ વધવાનાં વલખાં મારવાને બદલે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી મક્કમ ગતિએ તેના તરફ આગળ વધવું જોઈએ, અટકવાનો સિદ્ધાંત યાદ રાખીને. વિજય તમારા જીવ અને જીભ બન્નેને બગાડી શકે છે. તમને દંભી અને અસંતોષી બનાવે છે.

વિજયને સાથે ઘમંડને નિકટનો નાતો છે. વિજેતા માણસ અહંકારી બનીને વધુ ઈર્ષ્યાળુઓની સંખ્યામાં વૃદ્ધિ કરે છે. એટલે કુદરત તમને વિજયનો સ્વાદ એટલા માટે ચખાડે છે કે તમે વિજય થકી પરિતૃપ્ત થઈને એક ઉમદા ઈન્સાન બનો. વિજય છકી જવાનો પરવાનો નથી, પણ ઝુકી જઈને સિદ્ધિદેવીને નમન કરવાનો મોકો છે.

બ્રાયન ટ્રેસીએ આજના યુગને અનેક તકો અને શક્યતાઓનો યુગ તરીકે મૂલવીને તેનો ભરપૂર લાભ લેવા માટે ૧૨ સૂત્રોનો નિર્દેશ કર્યો છે ઃ

૧. તમારા વિચારોને બદલો

તેમ કરવાથી તમારા દિમાગમાં આવનાર શબ્દો, ચિત્રો, વિચારોનું તમે નિયંત્રમ કરી શકશો, જેને કારણે તમે આજે શું છો અને ભવિષ્યમાં શું બની શકશો એનો ખ્યાલ તમારા મનમાં વિકસશે.

૨. પોતાની જિંદગીને બદલો

માણસ અનેક પ્રકારના વિકાસની શક્યતાઓ લઈને ધરતી પર જન્મે છે. નકારાત્મક વિચાર માણસને કમજોર બનાવે છે. એટલે જિંદગીમાં આડખીલી રૃપ બને તેવી બાબતોને માણસે જાકારો આપવો જોઈએ.

૩. મોટાં સ્વપ્ન જુઓ

માણસ પોતાની જાતને તુચ્છ માને તો એને કારણે એનામાં તુચ્છતા બળવત્તર બનવા લાગે છે. એટલે ગતિ, પ્રગતિ, આર્થિક સ્થિતિ અને જિંદગીની તસવીર બદલવા માટે મોટાં સપનાં જોઈ સપનાં સાકાર કરવા માટેની ઝીણવટભરી યોજના તૈયાર કરો.

૪. ધનવાન બનવાની પ્રતિજ્ઞાા લો

તમને નિર્ધનતા ખટકતી હોય તો તમે વધુ કમાણી, બચત વગેરેનું આયોજન કરી તમારાં લક્ષ્યાંકને નજર સમક્ષ રાખી સદાય તેનું ચિંતન અને તે પરત્વે કાર્યનિષ્ઠ રહો.

૫. જિંદગીની કમાન પકડી રાખો

જિંદગીને તમે ઈચ્છો તેવી બનાવી શકો છો, એ શ્રદ્ધા સાથે બીજા પર દોષારોપણ કરવાને બદલે જવાબદારીની ભાવના સ્વીકારી પોતાની શક્તિનો રચનાત્મક ઉપયોગ કરો.

૬. ઉત્તમ સંકલ્પ કરો

પોતાની શક્તિ અને કૌશલ્યનો તાગ મેળવીને તેને સતત સુધારવાની કોશિશ કરો. વધુ સારા, ઉત્તમ બનવા માટે સંકલ્પબદ્ધ બનો.

૭. લોકોને પ્રાથમિકતા આપો

લોકો સાથેના સંબંધોની ગુણવત્તા અને તેનું પ્રમાણ તમારી સફળતા અને પ્રસન્નતાને સૌથી વધુ પ્રભાવિત કરે છે. એટલે તમારા ક્ષેત્રની શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરો.

૮. વિદ્વાનની જેમ વિચારો

દિમાગ વ્યર્થ વિચારોનો કચરો ઠાલવવાના સ્યૂએઝ ફાર્મ નથી. એટલે ઉમદા વિચારસરણીને નજર સમક્ષ રાખીને વિદ્વાનની જેમ ચિંતન કરો.

૯. દિમાગની તાકાતને ઓળખો

શ્રેષ્ઠ વિચારો જ વિકાસ અને સમૃદ્ધિનો રાજપથ છે. એટલે નવા વિચારો, નવું ચિંતન, નવું આયોજન કરવા માટે મનને સતત સક્રિય રાખો.

૧૦. દિમાગના અશ્વને દોડતો રાખો

ઉત્તમ લોકોએ સફળતા માટે કયા સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો, તે બધી ટેકનિકોનો પ્રયોગ કરી તમારા સંપૂર્ણ દ્રષ્ટિકોણને બદલવાની શક્યતાનો વિચાર કરો.

૧૧. પોતાના ભવિષ્યનું જાતે નિર્માણ કરો

તમારી જિંદગીની ભાવિ યોજના તમે જાતે જ તૈયાર કરો. ઉપસ્થિત થનાર ખતરાનો આગોતરો વિચાર કરી તેને પહોંચી વળવાની પૂર્વ તૈયારી રાખો.

૧૨. એક ઉમદા જીવન જીવી જાણો

સત્યનિષ્ઠા, સાહસ, કાર્યદક્ષતા, ઉત્તમ ચારિત્ર્યશીલતાને જીવનનાં અભિન્ન અંગ બનાવી જીવનને આનંદથી છલકાવી દો. જિંદગી તમને પૂછશે ઃ તમારે બહાવરા બનીને ભાગવું છે કે યોગ્ય સ્થાને અટકવું છે?

No comments:

Post a Comment