Wednesday, 12 September 2012

સજા લો લબ પે તબસ્સુમ વર્‌ના હર કોઈ, ઉદાસિયોંકા સબબ સુબ્હો-શામ પૂછેગા...

રવિવારની સર્દ રંગીન સાંજ. શીત પવનની સૂસવતી લે’રખીઓ, લચકતી ચાલો, થિરકતા નિતંબો, ફરકતા પાલવો અને ઉડતી અલકલટો વચ્ચે દસ રૂપિયાની ટિકિટમાં કેદ કાંકરિયા તળાવ સામેના ચૌરાહા પર ફૂટપાથની ઠંડી રેલંિગને અઢેલીને સિગરેટ ચુસતો હું ઉભો હતો, ફૂટપાથના ઠંડા પથ્થરની જેમ જ શાયદ.
ત્યાં જ સામેથી વયસ્ક ઝૂકેલા ખભાવાળા મિ. કેરાવાલા આવતા દેખાયા. એ શાયદ અગિયારીમાં પ્રેયર માટે જઈ રહ્યા હતા. પંદર વર્ષ પહેલાં જયારે હું મોર્નંિગ કોલેજમાં ભણતો હતો અને એક અર્ધ-સરકારી કોર્પોરેશનમાં નોકરી કરતો હતો એ સમયના મારા હેડ-ક્લાર્ક. ભલા ભોળા, પારસી બાવા. ધાર્મિક અને રંગીન મિજાજના ! હું સમય કાપવાના સાધનની તલાશમાં હતો, અને વાતો એ અકાટ્ય સમયને કાપવાનું સૌથી ધારદાર ચાકુ છે. ચાહે એ વાતો ધર્મની હોય, રાજકારણની હોય કે ઘર યા ઓફિસની હોય, એથી કોઈ ફર્ક નથી પડતો.
મેં કેરાવાલા સાહેબને ઉભા રાખીને તેમનું હસીને અભિવાદન કર્યું. એમને ઓળખાણ ન પડી. જાડા કાચના ચશ્મામાંથી પ્રગટ થતી એમની સંદેહદ્રષ્ટિનો મેં ખુલાસો કર્યો,
‘મને ન ઓળખ્યો કેરાવાલાસાહેબ ? હું નીલ- નીલરાજ ઇશાની. પંદર વર્ષ પહેલાં તમારા હાથ નીચે બિલંિગ સેક્શનમાં જુનિયર ક્લાર્ક હતો તે.’’
‘‘અરે ! ઇશાની ! ડીકરા તું ઓરખાય એવો રયો ચ ? ત્યારે તો માંડ પચાસ કિલોનું સાંઠીકરું હુતો અને અત્તારે તો મજેની પર્સનાલિટી બનાવી ચ ને કાંઈ પંચોતેર કિલોની. કાંય છે હમનાં ડીકરા ? તારું ભનવાનું પૂરું થીયું કે નાંઈ ?’’ પિછાન પડતા એમની સંદેહદ્રષ્ટિ સ્નેહદ્રષ્ટિ બની ગઈ.
‘‘થઈ ગયું સાહેબ. એમ.કોમ., એલ.એલ.બી. થઈ ગયો.’’
‘‘વેરી ગૂડ ! રેન્ક બી સારી આવી હુસે. તારી ખોપડી હું જાનું ચ ને !’’
‘‘હા, યુનિવર્સિટીમાં એકથી દસની બહાર ક્યારે ય નથી ગયો.’’
‘‘સાલા લક્કી પોયરો છે તું. અત્તારે કાંય (ક્યાં) છે ?’’
‘બસ સાહેબ, આપણી ઓફિસ છોડી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગયો. અને ત્યાં બે વર્ષ નોકરી કરી ભણવાનું પતાવી એક નેશનલાઇઝ બેંક જોઈન કરી.’ મેં મુસ્કરાઇને ઉત્તર આપ્યો.
‘અરે વાહ ! બેંક જોબ મલી ગઈ ? શું કુદરતી લક છે તારું ! પછી આગલ કંઈ ?’
‘બસ પછી બેંકંિગની બે પરીક્ષાઓ પાસ કરીને છ વર્ષમાં ઓફિસર બની ગયો.’
‘શું વાત કરચ ડીકરા ! બેંકમાં ઓફિસર બી બની ગયો એટલામાં ! શું ટોટલ મલે ચ હમનાં ?’
‘ચાલીસ હજાર મળે છે, અને મેનેજરનું પ્રમોશન આવે છે હવે, એટલે વધશે ?’
ં‘‘અરે બાપ રે ! ફોર્ટી થાઉઝન્ડ રૂપીઝ ! સાલું પચ્ચીસ વર્ષની નોકરી પછી હું માંડ વીસ હજારે પહોંચ્યો છું. સાલી કુદરતે બી શું બ્યુટીફૂલ ફેવર કરી છ તારી !’’ કેરાવાલા સાહેબની નિર્દોષ વયસ્ક આંખોમાં સહેજ ઇર્ષ્યાભર્યો અહોભાવ તરી આવ્યો.
‘‘...અને બાલ-બચ્ચામાં શું છે તારે ?’’
‘‘ત્રણ.’’
‘‘બાબા- બેબી ?’’
‘‘ત્રણેય બાબા.’’
‘‘તન્નેય પોટ્ટા ! અરે વાહ ! સાલું કુદરત જેને લકી બનાવે છે તેને મુઠ્ઠી ભરી ભરીને આપીયા જ કરે એ બી કુદરતી જ છે, તે આનું નામ. કેવડા છે તન્નેય પોટ્ટા ? તારા જેવા જ સ્માર્ટ હોસે !’’
‘‘અગિયાર, આઠ અને પાંચ વર્ષના.’’
‘‘ફાઇન ! તારું પ્લાનંિગ અને પ્રોગ્રેસ અપ-ટુ-ડેટ છે બધી દિશામાં. પન હોય જ ને ? જ્યારે લક ફેવર કરે ત્યારે કુજરતી જ એમ બને. પછી બંધ કરી દીઘું ‘પ્રોડક્શન’ શું ?’’ બાવાજીની પચાસે પહોંચેલી આંખો રંગીન શરારતમાં ચમકી ઊઠી.
‘‘નહીં રે સાહેબ ! કુદરતી રીતે જ બંધ થઈ ગયું.’’
‘‘હેં એ પન કુદરતી ? જુઠ્ઠા ! સાલા ઓપરેશન કીઘું હસે, બંનેમાંથી એકે. યા તો સાધન કે ગોલી વાપરતા હસો. બાકી હું તારા ઇશ્કિયાના મિજાજને ક્યાં નથી જાનતો ? અને અને તારી બૈરીને બી મેં જોયેલી છે. એવી હસમુખી, રસગુલ્લા જેવી મીઠી મીઠી પોટટી બગલમાં હોય અને તારા જેવો રંગીન માટીડો કુદરતી સંયમ રાખે એ હું નથી માનતો.’’ બોલતાં કેરાવાલા સાહેબની કબૂતર જેવી નિર્દોષ આંખો મિજાજે ઇશ્કની રંગીનીથી છલકાઈ ગઈ.
‘‘એવું નથી કેરાવાલા સાહેબ ! એ પણ કુદરતી જ છે. આજે સોળ મહિના થયા મારી પત્ની ઝંખનાના અવસાનને. હું એને ચાહતો હતો અને આજે ય ચાહું છું, એટલે ફરી પરણી શકું તેમ નથી. બસ બચ્ચાઓને મારા હાથથી ઉછેરું છું, એની અમાનત સમજીને. આ કુદરતી પ્લાનંિગ ન કહેવાય સાહેબ ?’’ મારી આંખો અને સ્વરમાં રેલંિગનો અડકીને ઉભેલા ભીના પથ્થરની ઠંડાશ આવી ગઈ.
‘‘હેં ? હા એ પન કુદરતી જ.’’ બોલતાં કેરાવાલાની ભીની હમદર્દી અને આશ્ચર્યમાં ચમકી ઊઠેલી આંખો, અને ઢીલા પડી ગયેલા સ્વરમાં રેલંિગની ઠંડાશ છવાઈ ગઈ...

No comments:

Post a Comment